30.3.09

શિયાળ અને કાગડો .....ન્યુ વર્સન

’હા‌આ‌આશ...આજે પરાણે એક પૂરી ચાંચમાં આવી છે...પાર્ટી થ‌ઈ ગ‌ઈ આજે તો...’-આવું વિચારતો વિચારતો હું એક લીમડાની ડાળ પર બેઠો...જ્યારે પણ ખાવા માટે મને સારું ભોજન મળતું,હું આ જ લીમડાની ડાળ પર ખાવા બેસતો...જાણે કે આ લીમડો મારા માટે ૫-સ્ટાર હોટલ જેવો હતો...


આમ પણ ભાદરવો મહિનો આવે ત્યારે અમારે કાગડા‌ઓને પાર્ટી‌ઓ જ ચાલતી હોય છે...લોકો આખું વરસ અમારો કા...કા...નો અવાજ સાંભળીને મોઢું બગાડે...પણ ભાદરવામાં ખબર નહી કેમ એમને અમારા પર આટલું વહાલ આવે છે...!?સડેલી રોટલીય ક્યારેય ના નાંખે...પણ ભાદરવામાં દૂધપાક ને પૂરી ખવડાવે છે મારા બેટા...!


હશે...માણસજાતને સમજવામાં હું મારી પૂરીની લિજ્જત શા માટે બગાડું?મેં ચાંચમાંની પૂરીને ડાળ પર મૂકીને એને બે ઘડી જો‌ઈ...કેટલી મસ્ત ગોળ ગોળ હતી....વળી સુગંધ પણ જોરદાર પાછી હોં...! પણ હવે મારી ચાંચને એનાથી દૂર રાખવી અસહ્ય લાગી...અને મેં પહેલો કોળીયો ભરવા ચાંચ ખોલી...


અમારા કાગડા‌ઓમાં કહેવત છે કે વરસાદ અને શિયાળ ક્યારેય નોટીસ આપીને નથી આવતા...મારી ચાંચ સાથે એ પૂરીનો સંગમ થાય એ પહેલાં જ મને એક ખૂશામતિયો અવાજ સંભળાયો,"કેમ છો કાગરાજ?આજકાલ કંઈ સમાચાર નથી તમારા?".મારું બેટું વાત તો એવી રીતે કરે છે જાણે અમે બે લંગોટીયા યાર હો‌ઈ‌એ.હારું જનમ-જનમનું દુશ્મન !! ઈતિહાસ ગવાહ છે કે જ્યારે જ્યારે કો‌ઈ કાગડાના હાથમાં(સૉરી...ચાંચમાં) પૂરી આવી છે ત્યારે ત્યારે આ શિયાળીયાની જાતે એ પૂરી છીનવી લેવાનો પ્રયત્ન કર્યો છે...(અને મારી મમ્મી કે’તી’તી કે ઘણે અંશે પૂરી છીનવી લેવામાં શિયાળ સફળ પણ રહ્યું છે...).

"એકદમ મજામાં છું શિયાળભા‌ઈ...તમે કેમ છો?"-મેં કમને જવાબ આપ્યો.શું કરીયે?દુનિયાની રીતરસમો તો જાળવવી પડેને?એનેય ખબર પડે મારી વિનમ્રતાની.


"હું ય મજામાં છું દોસ્ત..."-એણે એ જ ચાપલુસીભર્યા અવાજમાં કહ્યું."શું વાત છે?આજે લીમડાની ડાળ પર?લાગે છે ભાદરવાની પૂરી આવી છે આજે,કેમ?"-હારો નાલાયક...પાછો દોસ્ત કહે છે...


"હા ભા‌ઈ...અમારે વરસે એકવાર આ ભાદરવામાં પૂરી‌ઓ ખાવા મળે છે...પણ જોજો પાછા કાયમ કરો છો એવું કાંઈ કરવાનું વિચારતાં...આજે પૂરી ખાવા નહી મળે તમને હં કે !"-મેં અવાજમાં કડવાશ ના આવે એ માટેનો વ્યર્થ પ્રયત્ન કર્યો."કેમ કે હું તો ભણેલો છું...વિધ્યાનગર હાઈસ્કૂલના છાપરે બેઠક છે આપણી..."-મેં રોફથી કહ્યું.


"અરે એ શું બોલ્યા કાગરાજ?એ તો બધી જૂની વાતો છે...બાકી કો‌ઈનું ભોજન છીનવીને ખાય એ બીજા..."-મોંમાંની લાળને ટપકતી અટકાવવાનો વ્યર્થ પ્રયાસ કરતું શિયાળ બોલ્યું.

"હું તો માત્ર અહીંથી પસાર થતો હતો અને તમને પૂરીને ચાંચમાં લ‌ઈને આવતાં જોયા એટલે થયું કે લાવ એક મફતની સલાહ આપતો જા‌ઊં..."-બોલો...હવે આ અભણ મને ભણેલાને સલાહ આપશે...


"બોલો...આમેય બોલ્યા વગર તમે જવાના નથી અહીંથી...!"

-હવે મારા અવાજમામ અણગમો સ્પષ્ટ થયો...આ શિયાળીયાના કારણે મારી પૂરી ઠરી રહી હતી...જેમ બને તેમ જલદી મારે એને ભગાડીને પૂરી ખાવી હતી.


"એ તો મારે એટલું જ કહેવું હતું તમને કે તમે જે ઘેરથી આ ગરમાગરમ પૂરી લ‌ઈને આવ્યા છો...એ ઘરના લોકો..."-એ અહીં બોલતું અટકી ગયું...બોલો...આજકાલ આ શિયાળિયા‌ઓ સસ્પેન્સ ક્રિ‌એટ કરવા માંડ્યા છે મારા બેટા...!


"ભા‌ઈ બોલોને બોલવું હોય તો...મારિ પૂરી ઠરી જશે...ના બોલવું હોય તો મને મહેરબાની કરીને શાંતીથી ખાવા દો...અને એવી સહેજેય આશા ના રાખતાં કે આજે તમારી કો‌ઇ વાતથી ભોળવા‌ઈને હું આ પૂરી ગુમાવીશ...નો ચાન્સ મિસ્ટર શિયાળ !"-અને આટલું કહીને મેં એ શિયાળના જવાબની રાહ જોયા વિના જ પૂરીને ચાંચમાં લ‌ઈ લીધી...


"અરે શું તમેય જૂની વાત પકડીને બેસી ગયા છો યાર...હું તો માત્ર એટલું જ કહેતો હતો કે...તમે જે ઘેરથી આ ગરમાગરમ પૂરી લ‌ઈને આવ્યા છો...એ ઘરના ધણીને ઍડ્સ છે"-સાંભળતાં જ મારી ચાંચમાંથી પૂરી પડી ગ‌ઈ...


પૂરી પડી સીધી શિયાળના પગ પાસે...મારું હ્યદય બે ધબકારા ચૂકી ગયું...ખલાસ...ફિર વોહી દાસ્તાન...આજે શિયાળ ફરી પૂરી લ‌ઈ ગયું...મેં ફરી મારા કાગ ખાનદાનના નામ પર કલંક લગાવી દીધું...મેં કૂંજામાં પથરા નાખીને જે બુધ્ધી ની મિસાલ કાયમ કરેલી,એને આ શિયાળના બચ્ચા‌એ કાયમની જેમ આજે ફરી ધૂળમાં મિલાવી દીધી...


મારા મગજમાં આટલા બધા વિચારો એકસાથે પસાર થ‌ઈ ગયા...પણ મેં નીચે જોયું તો શિયાળ હજુ ત્યાં જ ઊભૂં હતું...પૂરી પણ એના પગ પાસે એમની એમ જ પડી હતી...શિયાળે મંદ હાસ્ય સાથે મારી આંખો માં આંખો નાખી અને બોલ્યું,"કેમ...તમે તો ભણેલા છો ને...તોય તમને એટલી પણ ખબર નથી કે ઍડ્સ સ્પર્શવાથી નથી ફેલાતો...તમારા જેવા ભણેલા‌ઓ જ આ સમાજમાં આવા જરૂર વગરના ભેદભાવ રાખે છે..."-એના અવાજમાં જોરદાર કડવાશ હતી."અને ગભરા‌ઈશ નહી...એ ઘરમાં કો‌ઈને ઍડ્સ નથી...હું તો માત્ર તને ભણતરના ખોટા ઘમંડમાંથી બહાર લાવવા માગતો હતો...બાકી તારા જેવા ભણેલા અભણના મોંમાંથી પડેલી પૂરીને તો હું સૂંઘુંય નહી..."-કહીને શિયાળ ચાલતું થયું...


અને હું પેલી પૂરીને જો‌ઈ રહ્યો...એને ખાવાની ઈચ્છા તો હતી...પણ શું હું એને ખાવાને લાયક હતો???



બોધ : "સ્પર્શવાથી ઍડ્સ નથી ફેલાતો...પ્રેમ ફેલાય છે...અને જો તમને હજુ આ વાતની જાણ ના હોય...તો તમારું ભણતર વ્યર્થ છે..."

13 Comments:

Vicky said...

દોસ્તો...તમારી કૉમેન્ટ્સ લખવાનું ના ભૂલતા...એનાથી મને ખબર પડશે કે મારે લખવાનું ચાલુ રાખવું કે છોડી દેવું...:)

Anonymous said...

http://marisamvedana.blogspot.com/

Anonymous said...

12-12 થઈ છે માટે વખાણ નહી કરૂ એક જ વાત કહીશ. જ્યા સુધી મજા આવે ત્યાં સુધી લખજો અને હા, હંમેશા પોતાના માતે લખજો બિજા માટે નહી. ખુબ આગલ વધો તેવી શુભકામના સહ.
જાગ્રત.

Kantibhai Vachhani said...

આપનુ મૌલિક પણ બોધસભર વર્સન સરસ .......
આપણને ગમે એટલે લખવુ બીજાને જે લાગે તે..

કાંતિ વાછાણી

પુરુષાર્થ
http://jshiroya.blogspot.com/

Anonymous said...

very good.......

IG said...

દોસ્તો...તમારી કૉમેન્ટ્સ લખવાનું ના ભૂલતા...એનાથી મને ખબર પડશે કે મારે લખવાનું ચાલુ રાખવું કે છોડી દેવું...:)


ચાલુ રાખવું
ચાલુ રાખવું
ચાલુ રાખવું
ચાલુ રાખવું
ચાલુ રાખવું.

Bhushan said...

heiiiiii
u rocked it this time.
thatz like a original Nishit.
its great, just great.
quite creative.

infact, i find it to be good matter for an animated advertisement against aids.

hemkavyo said...

ખૂબ સરસ વાર્તા! પહેલા પણ મેલ કરીને જણાવ્યું હતું તો પણ કમેન્ટ લખવાની ઈચ્છા થાય છે.

Vicky said...

@all
thanks for your encouragement.
Pls keep visiting the blog and writing comments like that.
એનાથી મને પ્રોત્સાહન મળે છે...

avashia said...

ઘણીજ સુંદર વાર્તા.લખવાનું ચાલુ રાખજો.
નિરુપમ અવાશિયા

Jagat said...

નીશીતભાઈ,

શિયાળ અને કાગડા નું ન્યુ વર્ઝન જામે છે ! quite creative and keep writing !!

Bhaumik said...

superb....
mordern education with Classical story....
I njy.....
pan , tari badhi j varta ma
" maru hriday ek Dhabkaro chuki gayu..."
e to ave j 6.
what is d reason behind that...?

Nishit Raval said...

એનું કારણ એટલું જ કે નિશીતભ’ઈ લેખક બની તો ગયા છે પણ "આશ્વર્ય" કે "અકસ્માત" કે "આઘાત" ની પરિસ્થિતિઓને દર વખતે અલગ અલગ કેવી રીતે વર્ણવવી એ પણ હજુ નથી આવડતું ! :)
બસ ઉપર "ભૂષણભાઈ" એ કોમેન્ટ આપી એવી કોમેન્ટ્સ મળતી રહે ત્યાં સુધી આ લેખક જીવે છે...
(થોડું હેવી થઈ ગયું ... નહીં ?)

ભાઈ ભૌમીક... તું સ્ટોરી એન્જોય કર ... હાળા ખોડો ના હોધીશ !