3.4.09

ભાઈ છેવટે હું નાચ્યો ખરો...

આજ સુધી ક્યારેય મારી જાતને મેં ડાન્સનો લહાવો માણવાનો મોકો નથી આપ્યો.નાનો હતો ત્યારથી જ શરમાળ...કોઈ હસશે એવા વિચારથી ક્યારેય જાહેરમાં નાચેલો નહી.નવરાત્રિ લોકોનો પ્રિય તહેવાર હોય છે...નાનાં-મોટાં સૌ નવરાત્રિમાં મન મૂકીને ગરબા રમતાં હોય છે...પણ દર વર્ષે નવરાત્રિ મારા મા્ટે ટેન્શન લઈને આવતી...મમ્મી-પપ્પા સાથે ગરબા જોવા જઊં તો એ લોકો ગરબા રમવાનું કહે...મિત્રો સાથે જઊં તો એ લોકો સાથે ગરબા રમવાની શરમ આવતી હોવાથી હું નવરાત્રિની મજા માણી શકતો નહીં...છતાં કોઈ બહુ આગ્રહ કરે ત્યારે એકાદ-બે રાઊન્ડ ગરબા રમી લઊં અને પછી બહાર...અને એ એક-બે રાઊન્ડ ગરબા રમતી વખતે પણ મારું ધ્યાન રમવામાં ના હોય...”લોકો મને જોઈને હસતાં તો નહીં હોય ને?’-એવું વિચારવામાં જ હોય...
બસ...એ દર વર્ષના એક-બે રાઊન્ડ એ જ મારી અત્યાર સુધીની ડાન્સની મૂડી !!! એ સિવાય ક્યારેય ખાનગીમાં પણ કમર હલાવવાનું વિચારેલું પણ નહીં...
ત્રણ વર્ષ પહેલાં કૉલેજની ફ્રેશર્સ પાર્ટીમાં પહેલી વાર ટી.વી. ને પિક્ચર્સમાં જોતો એવો ડી.જે. ડાન્સ જોયો...પણ માત્ર જોયો...વાઈડ એંગલ (અમદાવાદ) નું એ ધમ્માલ મ્યુઝીક પણ મારી કમરના સ્નાયુઓને હલનચલન કરાવવામાં નિષ્ફળ ગયું...હું માત્ર બીજા ફ્રેશર્સને ડાન્સ કરતાં જોઈને અને જમીને પાછો આવી ગયો...ધીરે-ધીરે મારા મનમાં મારી શરમ પ્રત્યે ઘૄણા જાગવા લાગી...મારે શરમ છોડવી હતી,પણ જ્યારે પણ ડાન્સ કરવાનો મોકો હોય ત્યારે કોઈ ને કોઈ બહાને મન મનાવી લેતો...

આજે 2/4/2009 તારીખે અમદાવાદની GIT engineering કૉલેજમાં હું મારા ચાર ખાસ મિત્રો અને classmates એવા નિહાર,ભૌમિક,ધવલ અને મેહુલ સાથે robotics ના event/competition માં ભાગ લેવા ગયેલો.અમારા સુખદ્દ આશ્ચર્ય વચ્ચે આ competition પૂરી થયા પછી સાંજે આ કૉલેજના ગ્રાઊન્ડ પર ધમાધમ મ્યુઝીક વાગવા લાગ્યું...મિત્ર ભૌમિકે કહ્યું કે આજે આ competition પૂરી થયા પછી ડી.જે નાઈટ છે અને લગભગ એનો જ આ અવાજ લાગે છે...મારા મનમાં તો ત્યારથી જ ટેન્શન થવા લાગ્યું.એમાંય પાછો નિહારીયાનો ઉત્સાહ...જાણે એનું તો સર્જન જ નાચવા માટે થયું હોય એમ એ તો ડી.જે ચાલુ થવાની રાહ જોઈ રહ્યો હતો...
રાત્રે ડી.જે ચાલુ થયું ભાઈ ! મ્યુઝીક એવું જોરદાર કે મારા પગનાં અંગૂઠાં પણ હલવા લાગ્યાં.અડધા કલાક સુધી તો નિહારે ડી.જે ડાન્સને જામવા દીધું(જાણે ઉપકાર કરતો હોય મારા પર...),પણ પછી જાણે ડાન્સ રોકાતો ના હોય એમ ઊભો થઈને કહે કે "ચલો ડાન્સ કરવા...”.હવે ભૌમિક અને મેહૂલ તરત તૈયાર થઈ જશે એ મને ખબર હતી પણ ધવલ પાસે મને supportની આશા હતી...ધવલને હું સ્વભાવમાં મારા જેવો ગણતો...પણ આજે ભગવાન જાણે શું ફૂંક મારી નિહારે એના કાનમાં કે ભાઈ તૈયાર થઈ ગયા નાચવા...વધ્યો હું...પણ as always...મેં ના પાડી...તો નિહારીયો કહે કે ચારમાં મજા ના આવે...minimum પાંચ જણા હોય તો જ નવા નવા સ્ટેપ્સ કરવાની મજા આવે...જાણે એના નવા સ્ટેપ્સ જોવા oskar awards ની jury આવવાની હોય...છતાં મે ના પાડવાનું ચાલુ રાખ્યું...પણ હવે તો બાકીના ત્રણ જણા પણ મંડ્યા માથું ખાવા...
છેવટે મેં વિચાર્યું કે ૧-૨ મિનિટ નાચી નાંખું એટલે છોકરાં ખૂશ થાય...એટલે હું તો ગયો એ લોકો સાથે નાચતા  ટોળાની અંદર...જોયું તો બધા લોકો ગમે તેમ નાચતાં હતાં...ડીજેનું મ્યુઝીક તો થનગનાવી મૂકે એવું હતું જ...સાથે નાચી રહેલા લોકોની બેફિકરાઈ...મને હવે જ વિચાર આવ્યો કે આટલાં વર્ષોથી જે નથી કર્યું એ આજે પણ નહી થાય તો ફરિ આવો અવસર ખબર નહીં ક્યારે મળશે...અને મેં ધીમે-ધીમે...જેવું આવડ્યું એવુ શરિર હલાવવાનું ચાલુ કર્યું...
મ્યુઝીકની અસર થવા લાગી...શરૂઆતમાં આસપાસ બેસીને જોઈ રહેલાં લોકો(especially opposite sex)તરફ નજર નાખી લેતો કે કોઈ હસતું તો નથી ને !...પણ જ્યારે ફરી નાચી રહેલાં ટોળાં તરફ જોતો એટલે એમ થતું કે આ લોકો હસું આવે એવું જ તો નાચે છે...તો પછી આટલા બધાંમાં હું એક વધારે...એમ વિચારીને મ્યુઝીકના વધી રહેલા ટેમ્પો સાથે મેં કદમ મિલાવવાનું ચાલુ કર્યું...બસ બેફિકરાઈની એ ક્ષણ મારા માટે યાદગાર સાબિત થઈ ગઈ...કેમ કે એકવાર લોકોની ચિંતા છૂટી ગઈ...એટલે મારા અંદર વર્ષોથી દબાઈને રહેલો ડાન્સર બહાર આવવાનો શરુ થયો...અને વાત એટલે સુધિ પહોંચી ગઈ કે થોડીવાર પછી હું(જે ગરબાના સ્ટેપ્સ પણ વર્ષોથી એક જ કરતો...) નિહાર એન્ડ પાર્ટીને નવાં સ્ટેપ્સ શીખવાડી રહ્યો હતો...મનમાં હરખ માંતો નહોતો...આજે શરમ છૂટી ગઈ હતી...હું મન મૂકીને(અને સંકોચ પણ મૂકીને...) નાચ્યો...જેવું આવડ્યું એવું...જેટલું ફાવ્યું એવું નાચ્યો...અને એટલી મજા આવી મને કે નિહાર,ભૌમિક,મેહુલ અને ધવલે મને ખેંચીને ટોળામાંથી બહાર કાઢવો પડ્યો...અને આશ્ચર્ય એ વાતનું હતું કે આજ સુધી દૂરથી ડાન્સનાં દર્શન કરનારો વીકી આજે ડાન્સથી દૂર આવીને નિરાશ થઈ રહ્યો હતો...

યાર નિહાર...યાર ભૌમિક....ધવલ અને મેહૂલ...તમે લોકોએ મને નચાવ્યો ખરો યાર...!

આજની સિધ્ધી : જ્યારે હું ડીજે નાઈટમાં ડાન્સ કરી રહ્યો હતો ત્યારે થોડીવાર રહીને નિહાર મારા કાનમાં (લાઊડ મ્યુઝીકને કારણે) બરાડ્યો..."તું શેનાથી શરમાતો હતો...પ્રોફેશનલ ડાન્સર જેવું નાચે છે તું તો...",...અને તમને જણાવી દઊં કે એના expressions પરથી એ મજાક કરતો હોય એવું નહોતું લાગતું...

3 Comments:

jagrat said...

પ્રોફેશનલ ડાન્સરની જેમ નાચવા વાળા ભાઈ તમારી એક વધુ ખુબી કહી દવ તમને, તમે પ્રોફેશનલ હાસ્ય લેખક જેટલુ જ સુંદર લખો પણ છો.
મારી સુભેચ્છા હંમેશા તમારી સાથે છે. મનગમતા ક્ષેત્ર માં ખુબ આગળ વધો.
Jagrat.

Kantibhai Vachhani said...

ભાઈ....ભાઈ....બહુજ સરસ લખો છો...

રાત હતી અજવાળીને શબ્દોના ટહુકા લઈ,
ચળકતી ચાંદનીમાં છેતરાય છે પડછાયા

kanti.

parsana said...

ગ્રુપ મા નાચવા ની મજા જ કઇક અલગ હોય છે.

Dhaval..