આ વાર્તા મેં લગભગ બે-અઢી વર્ષ પહેલાં લખી હતી...અને orkutની "ગુજરાતી હાસ્યલેખન" કોમ્યુનિટી દ્વારા online publish થતા ગુજરાતી મેગેઝીન "સાતત્ય" ના બીજા અંકમાં આ વાર્તા નો સમાવેશ થયો હતો.મારું પ્રકાશિત થનાર પ્રથમ સર્જન "ભૂલ ભૂલકણાની..." હાસ્યલેખ હતો(જે આ બ્લોગની પહેલી પોસ્ટ પણ છે...), અને આ વાર્તા મારું પ્રકાશિત થનાર બીજું સર્જન છે....
(બસ...મારાં આ બે સર્જનો જ પ્રકાશિત થયાં છે.... :) )
મિત્રો...વાર્તા વાંચ્યા પછી આપનો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં...
સરપ્રાઈઝનું સત્યાનાશ "મનિષા...ઓ મનિષા !!"-સાંજે ઑફિસેથી આવતાંવેંત સુરેશે ઉગ્ર અવાજે બૂમ પાડી.ગભરાઈને "આવું છું"-એમ કહીને એમના માટે પાણી લઈને રસોડામાંથી બહાર નીકળી,ત્યાં તો ગુસ્સાથી રાતોચોળ સુરેશનો ચહેરો જોઈને પાણીનો ગ્લાસ હાથમાંથી પડું-પડું થઈ ગયો.પહેલાં ક્યારેય મેં એમને આટલા ગુસ્સામાં જોયાં નહોતાં ને,એટલે! "શું થયું ?"-મેં ગભરાતાં પૂછ્યૂં, "કેમ આટલા ગુસ્સામાં છો?" "દેવ ક્યાં છે?"-એમણે ગુસ્સામાં પૂછ્યું. "ગણિતના ટ્યુશનમાં ગયો છે...કે..કેમ ?"-મારી ગભરામણ સુરેશના ગુસ્સા સાથે વધી રહી હતી.એક તો સ્વભાવે જ હું ઢીલી,એટલે મારા લાડલા દેવલા પર આવનારી આફતના વિચારમાત્રથી જ હું તો ધ્રુજી ઊઠી... "આજકાલનાં છોકરાં !"-એ બોલ્યા,-"બાપાઓ આખો દિવસ ઑફિસમાં વૈતરું કરી-કરીને મરી જાય,કોના માટે?...અને છોકરાંને એક પિક્ચર માટે ઘેર ખોટું બોલતાં શરમ પણ ના આવે !!" "પણ...પણ દેવે કર્યું શું એ તો કહો..."-મારી ચિંતા વધતી ચાલી. "તારો લાડકો તને એમ કહીને નીકળ્યો છે ને,કે એ ગણિતના ટ્યુશનમાં જાય છે?.." "હ..હા...કેમ ?" "હું એને હમણાં જ સિટી ગોલ્ડ મલ્ટીપ્લેક્સમાંથી નીકળતો જોઈને આવી રહ્યો છું..."-એમનો અવાજ એ પરાણે કાબૂમાં રાખતાં બોલ્યા. મને વધુ પૂછવાની ઈચ્છા તો થઈ,પણ મને લાગ્યું કે જેટલું વધારે પૂછીશ એટલો એમનો ગુસ્સો વધતો જશે.પણ મારા માનવામાં આવતું નહોતું.અમારા સંસ્કાર પર મને તો એટલો વિશ્વાસ હતો જ કે દેવ ક્યારેય જૂઠું તો ન જ બોલે...વિના કારણ તો નહી જ...! ’જો કે સુરેશ પણ આખરે દેવના પિતા છે...એ કાંઈ ખોટું બોલે ?’-મારા મને દલીલ કરી.-’દેવ સુરેશને ખૂબ વહાલો છે...કદાચ એટલે જ એમને તેના ખોટું બોલવા પર આટલો બધો ગુસ્સો આવ્યો હશે...’ એમણે પાણી પી લીધું એટલે મેં કહ્યું-"જલદી ફ્રેશ થઈ જાઓ,હું કાંઈક નાસ્તો લાવું..."-મને એમ કે જેમ બને એમ જલદી દેવને એમના મગજની બહાર કાઢૂં તો બિચારા દેવ પરની આફત ટળે...પણ... "ના...નાસ્તાની જરૂર નથી;દેવ આવે એટલે એને અંદરના રૂમમાં મોકલ...તરત જ..."-કહીને એ અંદરના રૂમમાં જતા રહ્યા.જેવા એ અંદર ગયા કે તરત જ મેં ડાયરીમાંથી દેવના ગણિતના સરનો ફોન નંબર શોધ્યો અને ફટાફટ ડાયલ કર્યો.સુરેશની સામે એમની વાત ખોટી સાબિત કરવા આ રીતે હું ફોન ના કરી શકી હોત...પણ...સુરેશ ખોટા નહોતા.દેવ આજે ટ્યુશન ગયો જ નહોતો...એના સરે તો એટલે સુધી કહ્યું કે, દેવે બે દિવસ પહેલાથી જ આજે ટ્યુશન નહી આવે એવી એમને વાત કરી રાખી હતી. હવે તો મનેય ગુસ્સો આવવો જોઈએ,પણ પૂરેપૂરો આવે એની પહેલા ડોરબેલ વાગી.હ્રદય એક ધબકારો ચૂકી ગયું.હજુ તો હું દરવાજે પહોંચી જ હતી ત્યાં તો અંદરના રૂમમાંથી સુરેશનો અવાજ આવ્યો-"દેવ હોય તો અંદર મોકલ..." દેવ જ હતો.મારા ગભરાટભર્યા હાવભાવ વિષે એ કાંઈ પૂછે એ પહેલાં જ મેં એને અંદરના રૂમમાં જવા ઈશારો કર્યો.એ મૂંઝાતો અંદર ચાલ્યો.થોડીવારે તમાચો મારવાનો અવાજ સંભળાયો.મારી આંખો ભીની થઈ ગઈ.પણ મેં એમ વિચારીને મન મક્કમ કર્યું કે આ સજા દેવને મળવી જ જોઈએ,જેથી ફરી ખોટું બોલતાં પહેલાં એને આ સજા યાદ આવે... રાતનું ભોજન એ દિવસે દેવને ના મળ્યું.દીકરાને ભૂખ્યો સૂવાડતાં જીવ તો બળ્યો,પણ સુરેશ મક્કમ હતા એટલે હું કાંઈ ના બોલી.હું અને સુરેશ પણ એ ભારે વાતાવરણમાં વધુ જમી ના શક્યાં.જેમ-તેમ કોળીયા ભરીને અમે પણ ઊચાટભર્યા જીવે સૂઈ ગયાં... મારી સવાર કેમ પડી,એ તો હું જ જાણું છું,પણ સુરેશ પણ પડખાં જ ફેરવતાં હતા. સવારે છ વાગે મનહર ઉદાસની "પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં"-ગઝલથી અમારી બન્નેની આંખ ઊઘડી.ઊતાવળે પગલે ડ્રોઈંગ રૂમમાં જઈને જોયું તો ટેબલ પર મનહર ઉદાસની ગઝલોની સીડીનો આખો સેટ પડ્યો હતો અને એની બાજુમાં પડ્યું હતું..... એક બર્થ ડે કાર્ડ! આજે સુરેશનો જન્મ દિવસ હતો.મેં એમની સામે જોયું.એમના હાથમાં એ કાર્ડ હતું અને આંખમાં પાણી!એમણે વાંચીને કાર્ડ મને આપ્યું.લખાણ કંઈક આ પ્રમાણેનું હતું:"અ વેરી હેપ્પી બર્થ ડે ટુ ડીયર પાપા ! પૉકૅટમનીમાંથી બચાવીને રાખેલા પૈસાનો આનાથી સારો નિકાલ મને કોઈ ના લાગ્યો ! આશા છે કે તમારા ફેવરીટ ગઝલ સિંગરનું સંપૂર્ણ કલેક્શન તમને ગમશે.....મેની હેપ્પી રીટર્ન્સ ઑફ ધ ડે પાપા !" અહીં હસવું યોગ્ય રહેશે કે રડવું એ હું હજુ નક્કી કરી શકું એટલામાં તો પાછળથી દેવનો અવાજ આવ્યો-"સૉરી પપ્પા ! મારે ખોટું બોલવું પડ્યું.પણ તમને આ સરપ્રાઈઝ આપવા માટે જ ...કાલે હું આ કલેક્શન લેવા માટે જ સીટી ગોલ્ડ મલ્ટીપ્લેક્સના મ્યુઝીક સ્ટોરમાં..."- -પણ એ પૂરું બોલી રહે એ પહેલાં તો સુરેશે એને બાથમાં લઈ લીધો... પરિસ્થિતીમાં ખાસ સુધારો નહોતો થયો.ગઈકાલે સાંજે મારી આંખો ભીંજાયેલી હતી;અત્યારે સુરેશની આંખો ભીજાયેલી હતી.ગઈકાલે સુરેશ ગુસ્સામાં રાતાચોળ હતા અને દેવ પર મુસીબત આવવાની હતી;અત્યારે હું ગુસ્સામાં હતી અને મુસીબત તો દેવ પર આજે પણ આવવાની હતી...કારણ કે એના સરપ્રાઈઝની મગજમારીમાં મારી કૅકના સરપ્રાઈઝનું એણે સત્યાનાશ કર્યું હતું!!!
7 Comments:
વાર્તા વાંચી શકાતી નથી. વાર્તા સીવાયનું તમામ ગુજરાતી લખાણ વાંચી શકાય છે. છે ને ! સરપ્રાઈઝનું સત્યાનાશ...
'અમારા સંસ્કાર પર મને તો એટલો વિશ્વાસ હતો જ કે દેવ ક્યારેય જૂઠું તો ન જ બોલે...વિના કારણ તો નહી જ...!'
"પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં"-ગઝલથી અમારી બન્નેની આંખ ઊઘડી....."
ગઈકાલે સાંજે મારી આંખો ભીંજાયેલી હતી;અત્યારે સુરેશની આંખો ભીજાયેલી હતી.
હાશ...ચાલો...હવે બધાને વંચાય તો છે !!!
hmmmmmmmm. baat kuchh jami nahi.
hmmmmmm.baat kuchh jami nahi
gud yar....
practise makes man perfect.....
kp writing.....
sunday mara hath ma PC avyu etle tari badhi story vanchi j nakhu 6u..
thanks bhaumik
Post a Comment